ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાતના ગૃહ ઉદ્યોગ

ગુજરાતના ગૃહઉદ્યોગ : પ્રાચીનકાળથી પટોળાં, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, વિવિધ પ્રકારનું ભરતકામ, રંગાટીકામ, લાકડાનું કોતરકામ વગેરે માટે ગુજરાત જાણીતું છે.

ગુજરાતના ગૃહ ઉદ્યોગ

પોસ્ટ નામગુજરાતના ગૃહ ઉદ્યોગ
પોસ્ટ પ્રકારજનરલ નોલેજ
વિષયગુજરાત ભૂગોળ

ગુજરાતના ગૃહ ઉદ્યોગ pdf

ગુજરાતના ગૃહ ઉદ્યોગ : હાલો આ આર્ટીકલમાં ગુજરાતના ગૃહઉદ્યોગની માહિતી મેળવીએ જે નીચે મુજબ છે.

પટોળાં

પટોળાં માટે પાટણ પ્રખ્યાત છે. કુમારપાળના સમયમાં પાટણમાં પટોળાં વણનારાં 700 કારીગરો હતાં. હાલમાં કસ્તુરચંદ અને બીજું એક કુટુંબ પટોળાં બનાવે છે. ઝીણા તાણા-વાણાને પ્રથમ બાંધી પછી તેને વિવિધ રંગોમાં રંગીન ભાત પ્રમાણે ગોઠવવામાં આવે છે. શુદ્ધ રેશમની ચટાઈ ડિઝાઈનમાં ભૌમિતિક આકૃતિઓ, નારીકુંજન, પાનભાત, ફૂલવાડી, ચોકડીભાત અને પશુ-પક્ષીઓની આકૃતિઓ વણાટ સાથે ઊપસતી આવે છે.

મશરૂ

ગુજરાતના ગૃહ ઉદ્યોગ : આ કાપડ બનાવવા કૃત્રિમ રેશમનો તણો અને સૂરતનો વાણો હોય છે. પાટણમાં ખત્રી અને શેખ મુસ્લિમ કારીગરો તેમજ ઊંઝામાં પટેલ કારીગરો મશરૂ તૈયાર કરે છે. પાટણમાં મશરૂના કારીગરોની સહકારી મંડળી છે. આ કાપડમાં સોનેરી, લાલ, લીલો અને પીળો રંગ વપરાય છે. કટારિયો, ચુંદડી, લાલ અને લીલો કંકણી, કમખી, સોદાગરી, અરબી વગેરે લોકપ્રિય ડિઝાઈનો છે.

તણછાંઈ

તણછાંઈનું કાપડ સુતરની વિશિષ્ટતા છે. રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ, હાથી વગેરેની ભાત છાપવામાં આવે છે.

સુજની

આ એક પ્રકારની રજાઈ છે અને એમાં એક પણ ટાંકો લીધા વિના વણાટની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે. તેનો ઉઘોગ ભરૂચમાં છે.

કિનખાબ

સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ કિનખાબ તરીકે ઓળખાય છે. અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, પાટણ, વિસરનગર, મગરોડા, ઊંઝા, ઉપેર અને ગોઝારિયા કિનખાબનાં ઉત્પાદનકેન્દ્રો છે. હાલ ઉપેરા, રિદ્રોલ અને નારદીપુરનું કિનખાબ વણાય છે. આ કાપડ રાજવી કુટુંબો અને મેમણ કોમ વધુ વાપરે છે.

અકીકની વસ્તુઓ

ગુજરાતના ગૃહ ઉદ્યોગ : અકીકના પથ્થર રતનપુર (જિ. ભરૂચ) પાસેની બાવા ઘોરની ખાણમાંથી મળે છે. મોરબી, રાણપુર અને માઝુમ નદીના પટમાંથી હલકી જાતના પથ્થરો મળે છે. અકીકનો ઉઘોગ-પ્રાચીનકાળથી વલભી અને ખંભાતમાં પ્રચલિત છે. છરી અને ખંજરનો હાથો, તલવારની મૂઠ, વીંટી, રકાબી-પ્યાલા, કલમ, ખડિયો, પેપર-વેઈટ વગેરે વસ્તુઓ અકીકના પથ્થરમાંથી બને છે. આફ્રિકા, યુરોપ અને મધ્ય એશિયાના દેશોમાં તેની નિકાસ થાય છે.

જરીકસબ

ગુજરાતના ગૃહ ઉદ્યોગ : જરીકસબના ઉઘોગ માટે સુરત, અમદાવાદ, જામનગર અને ધોરાજી જાણીતાં છે. આ ઉઘોગના કાચા માલમાં રેશમી દોરો, ચાંદી અને સોનું મુખ્ય છે. કિનખાબ અને મખમલ પર સોનેરી અને રૂપેરી તારથી ભરતકામ થાય છે. દક્ષિણનાં રાજ્યોમાં હાથસાળ કાપડમાં ગુંથવા માટે ગુજરાતમાંથી સોનારૂપાનો કસબ ખરીદાય છે.

ભરતકામ

કચ્છ અને સૌરાષ્ટ્રની મોચી, જત, મતવા, લોહાણા, આહીર, મેર, કાઠી, રબારી, કણબી, સથવાર, ઓસવાળ વણિક અને સિંધી બહેનો ભરતકામ કરે છે. ગુજરાતમાં નીચે પ્રમાણે ભરતકામ થાય છે.

મોચી ભરત

ગુજરાતના ગૃહ ઉદ્યોગ : કચ્છમાં માંડવીના મોચી અને ખાવડા તથા બન્નીના મતવા અને જત મોચી ભરતનું કામ કરે છે. આને ‘આરી ભરત’ કહે છે. સાટીન કે રેશમી ગજી, કુમળાં ચામડાં, અતલસ અને ગરમ કાપડ પર હીરના રંગીન દોરા અને સોનાના ઝીણા તારથી આ ભરત ભરવામાં આવે છે. ચાકળા, તોરણ, ચણિયા, કાપડું, પોલકું, ટોપી, પડદા તથા પહેરવેશનાં અન્ય કપડાં પર આ ભરત ભરાય છે. કોઈ પણ જાતની ડિઝાઈન કર્યા સિવાય અક્ષરો, ફૂલવેલ, પક્ષીઓ, પશુઓ અને માનવીની આકૃતિઓ ભરતના ટાંકા દ્વારા ઉપસાવાય છે. તોરણ, પિછવાઈ વગેરે પર બુલબુલ, મોર, પૂતળી વગેરેની આકૃતિઓ ઉપસાવાય છે. કોટાઈ અને લોડાઈની આહીર તથા રતનાલની રબારી મહિલાઓ આભલાના ભરતમાં કુશળ છે. બન્નીના જત ‘કજરી’ પર મોચી ભરત કરે છે.

કાઠી ભરત

સૌરાષ્ટ્રમાં કાઠી કોમની બહેનો હાથવણાટના લાલ રંગના કાપડ પર ઢોલામારુ, વાછડા દાદા, કૃષ્ણલીલા, રામાયણના પ્રસંગો, વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ, ફૂલગોટો, કાંગરા વગેરેની ભાત ઉપસાવે છે. કાઠી કોમમાં લગ્નપ્રસંગે દીકરીને આણામાં ભરત ભરેલા ઘાઘરા, ચાકળા, તોરણ, ટોડલિયાં, દીવાલ પરના પડદા વગેરે આપવાનો રિવાજ છે. અમરેલી જિલ્લાના બગસરા, ચાડિયા, ઈંગરોળ, બાબરા, વાડિયા, ચલાળા, કુંકાવાવ વગેરે ગામોમાં કાઠી ભરત થાય છે.

આહીર ભરત

પીળા પોત પર પોપટ , બુલબુલ, પૂતળીઓ વગેરેની આકૃતિઓ ઉપસાવાય છે. આભલાનો પણ ઉપયોગ થાય છે. ચાકળા, તોરણ, પડદા, ટોડલિયાં, કાપડું અને ચોળી પર આ ભરત ભરાય છે. જૂનાગઢ જિલ્લો અને ગીરસોમનાથ આ ભરત માટે જાણીતો છે.

કણબી ભરત

ગુજરાતના ગૃહ ઉદ્યોગ : ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં કણબી મહિલાઓ ઘાઘરા, ચોળી, ચંદરવા, બારસાખિયાં, થેલી, બળદની ઝૂલ, ઓશીકાના ગફેલ વગેરે પર આ ભરત ભરે છે. લાલ અથવા ભૂરા રંગના જાડા કાપડ પર આ ભરતકામ થાય છે. ચણિયાના ભરતકામમાં આભલાનો ઉપયોગ થાય છે.

મહાજન ભરત

વાગડ અને ભુજ-માંડવીના ઓસવાળા વણિકો, સોની વગેરે ભૌમિતિક ડિઝાઈનો, હીરાચોકડી ભાતનો આ ભરતમાં ઉપયોગ કરે છે. ગફેલ, ટોડલિયાં, ચાકળા અને ભીંતીયાં પર તેઓ ભરત ભરે છે.

મોતી ભરત

મોતીનાં તોરણ, ઈંઢોણી, નારિયેળ, પંખા, ચોપાટ, ઢીંગલી, ચાકળા, ચંદરવા વગેરે ભરવાનું કામ અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાં ગામોમાં થાય છે સૌરાષ્ટ્રમાં નવરાશના સમયમાં મહિલાઓ ભૂંગળી અને મોતીવાળું તોરણ બનાવે છે.

રંગાટીકામ

જામનગર, જેતપુર, ગોંડલ, રાજકોટ, ભાવનગર, અમરેલી , શિહોર, વડોદરા, બગસરા, ભુજ, માંડવી, અંજાર, સુરત, નવસારી, ગણદેવી, વલસાડ, બારડોલી, ચીખલી વગેરે શહેરો રંગાટીકામ માટે જાણીતાં છે. કચ્છમાં ચુંદડી, સાફા, શીરક, રૂમાલ, ઉતરણા, ચાદરો વગેરેનું રંગાટીકામ થાય છે. જામનગરની બાંધણી વખણાય છે. જેતપુરમાં સાડી પર રંગાટીકામ થાય છે. રંગાટીકામ માટે મિલનું વાયલ, મલમલ, લોન, કેમ્બ્રિક તથા પાવરલૂમ અને હેન્ડલૂમનું કાપડ વપરાય છે.

લાકડાનું કોતરકામ

સંખેડા, ધોરાજી અને જૂનાગઢમાં કલાઈ તથા લાખ મિશ્રિત રંગવાળા લાકડાનાં બાજોઠ, ઝૂલા, ઢોલિયા, ઘોડિયાં, સોફાસેટ, વેલણ વગેરે બનાવવામાં આવે છે. ભાવનગર જિલ્લાના મહુવામાં હાથીદાંત અને લાકડાનાં વિવિધ ફળો, રમકડાં, નાની પેટીઓ વગેરે બનાવવામાં આવે છે. ભાવનગરમાં મોટા પટારા બને છે. ગોધરા, ઈડર, અમદાવાદ, સુરત, લુણાવાડા, પાલનપુર, બાલાસિનોર, મોડાસા, સંતરામપુર, સંખેડા, પાટણ, મહુવા, જૂનાગઢ અને ભાવનગર આ ગૃહઉદ્યોગનાં કેન્દ્રો છે.

ધાતુકામ

ધાતુકામ માટે શિહોર, વઢવાણ, ધ્રાંગધ્રા, જામનગર, વિસનગર, નડિયાદ, વડોદરા, ડભોઈ, નવસારી વગેરે શહેરો જાણીતાં છે. જામનગર, અંજાર, માંડવી, ભુજ, રોહા, કોઠારા વગેરે શહેરો સૂડી, ચપ્પુ, તાળાં વગેરે બનાવવા માટે જાણીતાં છે. વડનગર, ઉમરેઠ અને પીજમાં અસ્ત્ર અને ચપ્પુ બને છે. રાજકોટ અને ભુજ સોનાચાંદીનાં કલાત્મક આભૂષણો માટે જાણીતાં છે. રાખદાની, પાનદાની, ફૂલદાની, અત્તરદાની, કચ્છમાં બને છે. રાજકોટમાં મીનાકામવાળાં, હીરામોતી જડેલાં આભૂષણો બને છે.

માટીકામ

કુંભારો સદીઓથી નળિયાં, ઈંટો, માટલાં, કુલડી, કીડિયાં વગેરે બનાવતા આવ્યા છે. આદિવાસીઓ સપાટ નળિયાં, ઘોડાં, ખતરીદેવની મૂર્તિ વગેરે બનાવે છે. થાનમાં માટીનાં રમકડાં બને છે. પાટણમાં ઓતિયા કુંભારો વિવિધ પ્રકારનાં રમકડાં બનાવે છે. થાન, શિહોર, વાંકાનેર, મોરબી, બીલીમોરા વગેરેમાં ચિનાઈ માટીના પ્યાલા, રકાબી, બરણી, ગ્લેઝવાળા વાટકા, સેનેટરીવેર વગેરે બને છે.

ગુજરાતના ગૃહ ઉદ્યોગ

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ