-->

ગુજરાતના લોકનૃત્ય (Gujarat Lok Nrutya)

ગુજરાતના લોકનૃત્ય
ગુજરાતના લોકનૃત્ય

ગરબો

ગરબો શબ્દ ‘ગર્ભદીપ’(ઘડામાં મુકાયેલ દીવો) પરથી બન્યો છે. ગુજરાતમાં શક્તિપૂજા પ્રચલિત થઈ ત્યારથી ગરબો લોકપ્રિય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા પર લઈને નવરાત્રિમાં મહિલાઓ આદ્યશક્તિ અંબિકા, બહુચરા, ચામુંડા વગેરેના ગરબા ગાય છે. ગરબામાં ગીત, સ્વર, લય અને તાલ મહત્વનાં છે. ગરબામાં મ્હાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો અને સારંગ રાગના મિશ્રણ હોય છે. કે તાળી, ત્રણ તાળી-ચપટીએ ગરબાના પ્રચલિત પ્રકારો છે.

રાસ

હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી રાસનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રિય બન્યો છે.

હાલીનૃત્ય

હાલીનૃત્ય સુરત અને તાપી જીલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઈને, કમ્મર પર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.

ભીલનૃત્ય

પંચમહાલ અને મહીસાગર જીલ્લાનાં ભીલનૃત્યો પૈકી યુદ્ધનૃત્ય વિશેષ જાણીતું છે. યુદ્ધનું કરણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્ય પુરુષો કરે છે. ઉન્માદમાં આવી જઈને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરદાર કૂદકા મારે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકમઠા, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાઘ અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જીલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે. ઓખામંડળના વધેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કુદકા મારતા આ નૃત્ય કરે છે.

દાંડિયા રાસ

દાંડિયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામા બેસીને અથવા ફરતાં ફરતાં પરસ્પર દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલા, મંજીરા વગેરે પણ વાગતાં હોય છે.

ગોફગૂંથણ

રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્ય છે. આ નૃત્યમાં પુરુષ ભાગ લે છે.

ટિપ્પણી નૃત્ય

આ નૃત્ય ધાબું ભરવા માટે ચુનાને પીસતી વખતે કરવામાં આવે છે. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે.

પઠારોનું નૃત્ય

નળકાંઠાના પઠારો, મંજીરા લઈને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે. પગ પહોળા રાખીને હલેસા મારતા હોય છે કે અડધા બેસીને, અડધા સુઈને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે. આ નૃત્ય સાથે એકતારો, તબલા, બગલીયું અને મોટાં મંજીરા વગાડવામાં આવે છે.

માંડવી અને જાગનૃત્ય

ઉત્તર ગુજરાતમાં નવરાત્રિમાં સોજા, મહેરવાડા, રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાદમાં ઠાકરડા, પાટીદાર, રજપૂત વગેરે કોમોની બહેનો માથે માંડવી કે જાગ મૂકીને આ નૃત્ય કરે છે. એક બહેન ગવરાવે છે અને બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્ય કરે છે.

રૂમાલનૃત્ય

મહેસાણા જીલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે. ઘોડા કે અન્ય પશુનું મહોરું પહેરીને પણ આ નૃત્ય કરવામાં આવે છે.

હમચી કે હીંચનૃત્ય

સીમંત, લગ્ન કે જનોઈના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે. રાંદલ માતા ફરતી બહેનો રાંદલમાની સ્તુતિ કરતાં હમચી ખૂંદે છે કે હીંચ લે છે.

રાસડા

રાસડામાં લોકસંગીત મુખ્ય હોય છે. આ ત્રણ તાળી રાસનો એક પ્રકાર છે. કોળી અને ભરવાડ કોમમાં મહિલાઓ પુરૂષો સાથે રાસડા લે છે. રાસડામાં ઉપયોગમાં લેવાતાં વાદ્યોમાં મોરલી, પાવા વગેરે મુખ્ય છે.

કોળી નૃત્ય

કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. તેઓ મધ્ય કદના હોય છે. તેમના શરીર પાતળા અને ચેતનવંતા હોય છે. તરણેતરનો મેળો કોળીઓનો જ મેળો છે. કોળી મહિલા ત્રણ તાળીના રાસમાં ચગે છે. મીઠી હલકે, મીઠા કંઠ અને મોકળા મને ગાતી તેમજ વાયુના હિલોળાની જેમ ઝૂમતી કોળી મહિલાને જોવી એ એક લ્હાવો છે.

મેર નૃત્ય

મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્યમાં આગવું સ્વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઈ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ધ હોવા છતાં તરલતા ઓછી હોય છે. ક્યારેક તેઓ એકથી દોઢ મીટર જેટલા ઊંચા ઉછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્ન ગંભીર છટા ઊભી કરે છે.

સીદીઓનું ધમાલનૃત્ય

જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને(નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબદ્ધ ખખડાવે છે. મોરપિંચ્છનું ઝુંડ, નાના ઢોલકા એમના સાધન છે. સીદીઓનો મુખી ગીતો ગાતો અને ગવરાવતો જાય, ઠેક મારતો જાય અને બધાને માથે મોરપિંચ્છનો ઝૂડો ફેરવતો જય છે.

મોરયો

આ બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે. સરખડ અથવા ઝુંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરયો’ બનાવવામાં આવે છે. મેરયો ઘુમાવતી આ તોળી મેળાના સ્થળે પહોંચે છે. પછી ખુલ્લી તલવારોથી પટાબાજી ખેલતા બે મોટીયારો દ્વંદ્વયુદ્ધ માટે એકબીજાને પડકારે છે. આ દ્રશ્ય જોનારને હૃદય થંભી જતું હોય એમ લાગે છે. ત્યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’(શૌર્યગાન) ગવાય છે.

ડાંગીનૃત્ય

ડાંગ જીલ્લાના આદિવાસીઓનું ડાંગીનૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’, ‘ ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્યના 27 જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નકલ નૃત્ય સ્વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરાં કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતા થતાં જ મહિલાઓ અને પુરુષો નાચવા માંડે છે. 
ગુજરાતના લોકનૃત્ય